ભુજમાં વોર્ડ નંબર 5માં આવેલ સેન્ટ્રલ જેલ પાછળના વિસ્તારમાં નળમાંથી આજે પીળા કલરનું ગંદુ પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આજે આ પાણી વાપરવા લાયક રહ્યું ન હતું. ફળિયામાં કચરાના ઢગ પણ દેખાય છે. રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાં સફાઇનો મોટો અભાવ છે. નિયમિત સફાઈ થતી નથી. ગંદા પાણી અંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેનએ જણાવ્યું હતું કે ગેસની પાઇપલાઇન નાખતી કંપનીએ પાણીની 10 ફૂટ નીચેની લાઈન તોડી નાખતા આ મુશ્કેલી સર્જાઇ છે. તે માટે કંપનીને નોટિસ પાઠવવામાં આવશે અને તેની પાસે ખર્ચ વસુલ કરવામાં આવશે તેવી વાત નગર અધ્યક્ષાએ કરી હતી. પરંતુ હાલ લોકો નળમાંથી આવતા ગંદા પાણીથી ત્રસ્ત થયા છે. તેમણે મીડિયા સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવી હતી.