ગુજરાત સરકારની દારૂબંધીની ગુલબાંગો વચ્ચે આજે ફરીથી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. સતત બીજા દિવસે રાજસ્થાન ગુજરાત બોર્ડર પાસેથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગઈકાલે બોર્ડર પાસેથી 2 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો. ત્યારે આજે 29 લાખનો દારૂનો જથ્થો પકડાયો છે. બનાસકાંઠા જીલ્લાના ખોડા ચેકપોસ્ટ ઉપર થરાદ પોલીસે ચેકીંગ દરમિયાન ટ્રેલરમાં ડી.ઓ.સીના કટ્ટટાની આડસમાં ગુજરાતમાં લઈ જવાતો દારૂ પકડી પાડ્યો છે. થરાદ પોલીસને તપાસમાં વિદેશી દારૂની 5904 બોટલ મળી આવી છે, જેની કિંમત કુલ રૂપિયા 29,52,000 છે. દારૂની બોટલ સહિત ટ્રક સાથે 39,77,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. થરાદ પોલીસે રાજસ્થાનના જોધપુરના ટ્રેલર ચાલક બુધ્ધારામ બિશ્નોઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.નોંધનિય છે કે, હજી ગઈકાલે જ થરાદ પોલીસે ચેકીંગ દરમિયાન ખોડા ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં જીપ્સમના સફેદ પાવડરના કટ્ટટાની આડસમાં ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો હતો. થરાદ પોલીસે તપાસ કરી તો ટ્રકમાં કુલ વિદેશી દારૂની 369 બોટલ હતી. જેની કિંમત 1,98,000 રૂપિયા છે. દારૂ સહિત ટ્રક સાથે 7,38,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.