પાટણ જીલ્લાના રાધનપુર અને બનાસકાંઠાના થરાને જોડતા નેશનલ હાઇવે પર અકસ્માત બન્યો છે. અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ લાગતા કેમિકલને કારણે જોતજોતામાં જ્વાળાઓ ફેલાઇ ગઇ હતી. ગણતરીની મિનિટોમાં ટેન્કર આગની ચપેટમાં આવી જતાં જાનમાલની હાનિ થઇ હોવાની આશંકા બની છે. આગની જ્વાળાઓને પગલે નજીકના વૃક્ષો અને જીવજંતુઓ ભસ્મિભૂત થયા છે. આ દરમ્યાન ટેન્કરમાં કોઇ હતુ કે કેમ તે સ્પષ્ટ થઇ શક્યુ નથી.જાણવા મળ્યા મુજબ ટેન્કર ચાલક હાઇવેની બાજુમાં લઇ ગયા બાદ દુર્ઘટના બની છે. આથી નેશનલ હાઇવે પર વાહનોની અવરજવરને કોઇ અસર નથી. જોકે હાઇવેની બાજુમાં કેમિકલ ભરેલું ટેન્કર સળગતું હોઇ વાહનચાલકો ભય વચ્ચે પસાર થઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ટેન્કરમાં આગને પગલે છેલ્લી કેટલીક મિનિટોથી રાહત બચાવ કામગીરી થઇ શકી ન હોવાથી માલ-સામાન સાથે જાનહાની થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.