એક બાજુ, કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે તો, બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. બહાર બધુય ભલે સમુસુતરૂ લાગે પણ વાસ્તવિકતા એછે કે,ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. આ તમામ ચર્ચા વચ્ચે શંકર ચૌધરીની જગ્યાએ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવતા ચૌધરી સમાજમાં નારાજગી ફેલાઇ છે. આ નારાજગી વચ્ચે સોમવારે અલ્પેશ ઠાકોરે ચૌધરી સમાજના લોકોને મનાવવાનો પ્રયાસ કરતા હોય તેમ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીને મોટા ભાઇ ગણાવ્યા હતા. નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરને લઇને ચૌધરી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે તેણે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તે લાગી રહ્યું છે. ચૌધરી સમાજની નારાજગી દૂર કરવા માટે અલ્પેશ ઠાકોરે એક જાહેરસભામાં નિવેદન આપતા કહ્યું કે, શંકર ચૌધરી મારા મોટા ભાઇ સમાન છે અને શંકર ચૌધરી જ મને ભાજપમાં લઇ ગયા હતા.