રાણાવાવ ગામે દાસારામ એપાર્ટમેન્ટના રૂમ નં.-203 ગ્રીન સીટી ગેઇટ નં.-2 ની સામે રાજસ્થાનનો અજમેર જીલ્લાનો બ્યાવર ગામે રહેતો દિલીપ તેજમલ જોષી નામનો જ્યોતિષ 2 માસથી રહેતો હતો અને કાલભૈરવ મસાણીયા જ્યોતિષ નામની પત્રિકા બહાર પાડી હતી. અને પ્રત્રિકા વાંચીને આદિતપરાના સામતભાઇ કદાવલા નામના જાગૃત નાગરિકે આ જ્યોતિષ સાચો છે કે ખોટો તે પારખવા જ્યોતિષને ઉપજાવી કાઢેલી સમસ્યા માટે ફોન કર્યો હતો અને તેની પત્ની ઘરેથી ચાલી ગઇ છે, તેમ કહ્યુ હતુ જેથી જ્યોતિષે વિધિ કરવાનું કહ્યુ હતું. બે દિવસ બાદ ફરીથી સામતભાઇએ ફોન કરતા કહ્યુ હતુ કે મારી ઘરવાળી પાછી આવી ગઇ છે. જ્યોતિષે કહ્યુ હતુ કે પાછી ભાગી ન જાઇ તે માટે વિધિ કરવી પડશે અને રૂ. 21 હજાર થશે. પરંતુ ગરીબ માણસ હોવાનું જણાવતા આખરે 21 હજારમાંથી વિધિના 7 હજાર લેવા માટે જ્યોતિષ રાજી થયો હતો. આ જ્યોતિષ ખોટો હોવાનું જણાતા સામતભાઇએ રાણાવાવ પોલીસની મદદ લીધી હતી અને પોતાની પત્ની અલ્પાબેનને સાથે રાખીને છટકું ગોઠવ્યું હતુ. જ્યોતિષએ ચાર લીંબુ પર વિધિ કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઇ હતી અને જ્યોતિષને પકડી લીધો હતો અને પોલીસ મથકે લઇ ગયા હતા. ત્યારે જ્યોતિષે કબૂલ કર્યુ હતુ કે રાજસ્થાનમા 30 વર્ષથી વિધિ-વિધાન કરાવે છે. 8 લાખ રૂપિયાનું દેવુ થઇ ગયુ હોવાથી લોકોને વિધિ-વિધાનના નામે રૂપિયા લેતો હતો. હવેથી ક્યારેય પણ વિધિ અને જ્યોતિષ કામ નહિ કરૂ તેમ કહી ક્ષમા માંગી હતી.