મે મહિનામાં ટુ-વ્હીલરના વેચાણના આંકડા આપણી સામે આવી ગયા છે. છેલ્લા મહિનામાં ટુ-વ્હીલર્સની ભારે માંગ છે. હીરો મોટોકોર્પ હંમેશની જેમ નંબર વન પોઝિશન પર રહ્યું છે, જ્યારે બીજા સ્થાને હોન્ડાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય એક એવી કંપની પણ હતી જેણે 300%ની વૃદ્ધિ નોંધાવી છે.
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp એ શુક્રવારે જણાવ્યું હતું કે મે 2023માં તેનું જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે સાત ટકા વધીને 5,19,474 યુનિટ થયું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીનું જથ્થાબંધ વેચાણ 4,86,704 યુનિટ હતું. ગયા મહિને સ્થાનિક વેચાણ 5,08,309 યુનિટ હતું, જે મે 2022માં 4,66,466 યુનિટ હતું. જોકે, સમીક્ષા હેઠળના સમયગાળામાં નિકાસ ઘટીને 11,165 એકમો રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 20,238 એકમો હતી.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)નું કુલ વેચાણ મે 2023માં વાર્ષિક ધોરણે 6.6 ટકા ઘટીને 3,29,393 યુનિટ થયું છે. HMSIએ એક નિવેદનમાં જણાવ્યું કે મે 2022માં કંપનીનું વેચાણ 3,52,893 યુનિટ હતું. ગયા મહિને હોન્ડા મોટરસાઇકલનું સ્થાનિક વેચાણ ત્રણ ટકા ઘટીને 3,11,144 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,20,857 યુનિટ હતું. કંપનીએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેની નિકાસ ઘટીને 18,249 યુનિટ થઈ છે.
મે મહિનામાં, TVS એ ભારતીય સ્થાનિક બજારમાં 32% ની વૃદ્ધિ હાંસલ કરી અને કુલ 330609 એકમોનું વેચાણ કર્યું. કંપનીએ ટુ વ્હીલર્સમાં કુલ 287058 યુનિટ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સમાં 17953 યુનિટનું વેચાણ કર્યું હતું. તેમજ થ્રી-વ્હીલર્સમાં પણ 11314 યુનિટ વેચાયા હતા.
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ઓલા ઈલેક્ટ્રિક માટે મે મહિનો ઉત્તમ રહ્યો છે. કંપનીએ આ મહિનામાં 35 હજારથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. આ સમય દરમિયાન, કંપનીનો ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં 30% હિસ્સો હતો. વધુમાં, કંપનીએ વાર્ષિક ધોરણે 300% ની વૃદ્ધિ હાંસલ કરી છે. જો કે, જૂન મહિનાથી, FAME સબસિડીમાં ઘટાડો થવાને કારણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની કિંમતમાં વધારો થયો છે.