ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 બેઠકો માટે આગામી તા.5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે ત્યારે આપણે જ્યાં જઈને મતદાન કરીએ છીએ તે મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓને મતદાનના પ્રારંભથી લઈને તે પૂર્ણ થાય ત્યાં સુધી અને ત્યારબાદના સમય દરમ્યાન ટાંકણીથી લઈને મોટા કવરો સહિત અનેકવિધ જરૂરીયાતો ઉપસ્થિત થતી હોય છે.
જેને ધ્યાને લઈ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકોએ જરૂરી એવી નાનામાં નાની ટાંકણીથી લઈ લખવા માટેના ફુલસ્કેપ કાગળ તેમજ વિવિધ કલર-સાઈઝના કવરો સહિત 40 કરતાં વધુ લેખન-સાધનસામગ્રી પહોંચાડવામાં આવતી હોય છે. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ મતદાન મથકો ખાતે સેફટીપિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબરબેન્ડ, બોલપોઈન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળુ જ્યુટબેગ, એરલ્ડાઈટ એડહેસિવ ટેપ, સેલોટેપ રોલ, ક્લિપ બોક્સ, પેપર કટર, પેન્સિલ બ્લેક લીડ એચ.બી., ટાંકણી, મોટી સાઈઝની મીણબત્તી, ચોક સ્ટીક, પેન્સિલ સાથેના ઉપયોગ માટે કાર્બન, લખવા માટેના ફુલસ્કેપ કાગળ, ગ્લુ બોટલ, ત્રણ ઈંચ લાંબી સુતરાઉ ટેગ, સફેદ સુતરાઉ ટેપ, પાતળી દોરીના દડા, જાડી દોરીના દડા, સુતળી, લાખ, સ્લીપ બ્લોક ઓર્ડિનરી, સેલ્ફ ઈન્કીંગ પેડ, આંગણી ઉપર કોઈ તૈલી પદાર્થ હોય તે લુછવા માટે ડુંગરી ક્લોથ, વિવિધ સાઈઝના કવરો જેવા કે, વૈધાનિક કવર, અવૈત્તનિક કવર, બ્રાઉન કવર, વાદળી કવર, લીલુ કવર અને સફેદ કવર સહિતની અનેક નાની મોટી જરૂરી લેખન સાધન સામગ્રી સમયસર પહોંચે તેની કાળજી રાખવાની રહે છે. નોંધનીય છે કે આગામી તા.5મી ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોની ચૂંટણી માટે કુલ મળી 1810 મતદાન મથકો ઉપરથી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનશે.