ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
નાંદોદ વિધાનસભા બેઠકમાં આવતાં સુંદરપુરામાં એક જ ગામના બે ઉમેદવારો મતદાન કર્યુ હતું. અહીં માજી ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા તથા કોંગ્રેસના ઉમેદવાર ગરેશ વસાવાએ વોટિંગ કર્યુ હતું. મધ્ય ગુજરાતમાં ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે મળી કુલ સાત બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ભરૂચની અંકલેશ્વ, ઝઘડિયા, વાગડિયા. ભરૂચ અને જંબુસર બેઠક પર કુલ 32 ઉમેદવારો વચ્ચે જંગ છે. જ્યારે નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડિયાપાડા એમ બે બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે જંગ છે. આમ કુલ બ41 ઉમેદવાર વચ્ચે હરિફાઈ છે.
નર્મદા જિલાની નાંદોદ બેઠક પર ભાજપે સૌ પ્રથમ વખત મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ભાવિ નક્કી થશે. ભરૂચ જિલ્લામાં 1359 મતદાન કેન્દ્રો છે અને 12.67 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે નર્મદા જિલ્લામાં 624 મતદાન કેન્દ્રો છે અને 4.57 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ બંને જિલ્લાની 7 બેઠક પર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.