ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠક ઉપર આજે 1 ડિસેમ્બરએ મતદાન ચાલુ થઇ ગયું છે. જેમાં મધ્ય ગુજરાતની ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે મળી કુલ સાત બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ભરૂચની અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા, ભરૂચ અને જંબુસર બેઠક પર કુલ 32 ઉમેદવાર જંગમાં છે. જ્યારે નર્મદા જિલ્લામાં નાદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠકો પર 9 ઉમેદવાર સ્પર્ધામાં છે. કુલ 41 ઉમેદવારોનું ભાવી મતદારો નક્કી કરશે.
નર્મદા જિલ્લાની નાદોદ બેઠક પર ભાજપે સૌપ્રથમ વખત મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે દેડીયાપાડા બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ભાવી નક્કી થશે. અહીં બીજી વખત મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ભરૂચ જિલ્લામાં 1,359 મતદાન કેન્દ્ર છે, અને 12.67 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે નર્મદા જિલ્લામાં 624 મતદાન કેન્દ્રો છે, અને 4.57 લાખ મતદારો મતદાન કરશે. કુલ 17.24 લાખ મતદારો આ બંને જિલ્લાની સાત બેઠક પર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 2017ની ચૂંટણીમાં ભરૂચની પાંચમાંથી ત્રણ ભાજપે, એક કોંગ્રેસે અને એક બેઠક બીટીપીએ જીતી હતી. જ્યારે નર્મદા જિલ્લાની બેમાંથી એક કોંગ્રેસે અને એક બીટીપીએ જીતી લીધી હતી. આ વખતે અંકલેશ્વરમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સગા ભાઈ છે એટલે અંકલેશ્વરનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.