ભરૂચ અને નર્મદા જિલ્લામાં પહેલા તબકકામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. નેત્રંગના જાંબુડા ફળિયામાં રહેતાં અને અંકલેશ્વરના દિવા ગામે તાલીમ લઇને સાસરીમાં પાછા ફરેલાં 48 વર્ષીય શિક્ષકનું હદયરોગના હુમલાના કારણે મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સરકારી કર્મચારીઓને હાલ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે તેઓ તાલીમ અને અન્ય કામગીરીમાં વ્યસ્ત બની ગયાં છે. સતત વ્યસ્તતાના કારણે તેમના સ્વાસ્થય ઉપર પણ અસર જોવા મળી રહી છે અને આ વાતની સાબિતિ આપતો કિસ્સો ભરૂચ જિલ્લામાં બન્યો છે. ભરૂચના નેત્રંગ ના જાંબુડા ફળીયામાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોર નાનુભાઈ વસાવા ગત રોજ ચૂંટણીની કામગીરીને અનુલક્ષીને અંકલેશ્વર ના દિવા ખાતે રાખવામાં આવેલી ચૂંટણીલક્ષી તાલીમમાં ભાગ લેવા માટે ગયાં હતાં.
તાલીમ દરમિયાન તેમને ગભરામણ થતાં તાલીમ અધિકારીએ મુખ્ય અધિકારીને રીપોર્ટ કરી તેમને રવાના કર્યા હતાં. તેઓ તેમની સાસરી એવા દેડીયાપાડાના જામબાર ગામે પહોંચ્યાં હતાં. સાસરીમાં ગયા બાદ તેમને ફરી ગભરામણ થતાં પરિવારજનોએ તેમને ખાનગી વાહનમાં દેડીયાપાડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જયાં ફરજ પર હાજર રહેલાં તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં.