ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત તમામ મતદાર વિભાગોના 250 થી વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાન જાગૃતિ અર્થે ગામના મતદાતાઓને આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ગ્રામ્ય કક્ષાએ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ મતદાર જાગૃતિ અર્થેના સંદેશાની વાત કરીએ તો, અજુપુરા ગામના નોટિસ બોર્ડ ઉપર મતદાન માટેની સુંદર વાત રજુ કરવામાં આવી છે. આ બોર્ડ ઉપર જાહેર જનતાને અપીલ કરતાં જણાવાયું છે કે, આથી ગામની જાહેર જનતાને જણાવવાનું કે, તા.5 ડિસેમ્બર 2022 ના રોજ લોકશાહીનાં ઉત્સવમાં આપનો કિંમતીમત આપવા જરૂર જઈએ.100 ટકા મતદાન કરીએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ ફરજ બજાવીને લોકશાહીનો ‘‘અવસર’’ ઉજવીએ. હું છુ મતદાર… આળસ કરીશ નહી, ફરજથી ડગીશ નહી… મતદાન ચૂકીશ નહી.
જયારે મોગરી ગામના નોટિસ બોર્ડ ઉપર મતદારોને નમ્ર અપીલ કરતાં જણાવાયું છે કે, ‘‘સર્વે મોગરી ગ્રામજનોને નમ્ર અપીલ છે કે,આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.5 ડિસેમ્બર 2022 ને સોમવારના રોજ હોય આપ સૌ અચૂક મતદાન કરવા જશો જ એવી નમ્ર વિનંતી છે.’’ ત્યાર પછી બાદ નીચે સરસ મજાનો મતદાર જાગૃતિનો સંદેશ પાઠવતા લખ્યુ છે, અવસર અનોખા ગુજરાતનો… અવસર આપણા સૌનો….. અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ… અવસર લોકશાહીનો. મહત્વનું છે કે મતદાન જાગૃતિ અર્થેની આવી જ વાતો આણંદના અનેકવિધ ગામોમાં જોવા મળી છે. ગામડાઓ આજે મતદાન જાગૃતિની આહલેક જગાવી રહયાં છે.