આણંદ જિલ્લાની 7 મતદાર બેઠકો ઉપર બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થશે. આ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં નોંધાયેલા 17.66 લાખ મતદારોમાંથી 332 શતાયું મતદારો નોંધાયાં છે.આણંદ જિલ્લામાં આવેલી ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા મળી કુલ 7 બેઠકોની ચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો ઉપર કુલ મળી 17.66 લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ મતદારો પૈકી 9,04,192 પુરૂષ, 8,61,857 મહિલા અને 128 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લાના વયજૂથ મુજબના મતદારો જોઈએ તો, સમગ્ર જિલ્લાના 17,66,177 મતદારોમાં 18થી 19ની વર્ષની વયના 38,603 મતદારો, 10થી 29 વર્ષની વયના 3,60,650 મતદારો,30થી 39 વર્ષની વયના 4,27,599 મતદારો,40થી 49 વર્ષની વયના 3,48,614 મતદારો,50થી 59 વર્ષની વયના 2,75,887 મતદારો,60થી 69 વર્ષની વયના 1,86,840 મતદારો,70થી 79 વર્ષની વયના 93,482 મતદારો,80થી 89 વર્ષની વયના 29,760, મતદારો,90થી 99 વર્ષની વયના 4,410 મતદારો અને 99વર્ષથી વધુ વયના 332 મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં પુરૂષ–મહિલાઓની સાથે અન્ય જાતિના પણ 128 મતદારો નોંધાયા છે.આ મતદારો પૈકી ખંભાતમાં 1, બોરસદમાં 5, ઉમરેઠમાં 3, આણંદમાં 6, પેટલાદમાં સૌથી વધુ 107 અને સોજીત્રામાં 6 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે.
જિલ્લાના 38,603 મતદારો પ્રથમવાર મતદાન કરશે
આણંદ જિલ્લામાં નોંધાયેલા 18થી 19 વર્ષના 38,603 યુવા મતદારો આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના 7 મતદાર વિભાગમાં નોંધાયેલા આ યુવા મતદારો પૈકી સૌથી વધુ 5,960 મતદારો ઉમરેઠ મતદાર વિભાગમાં અને સૌથી ઓછા 5,142 મતદારો આણંદ મતદાર વિભાગમાં નોંધાયા છે. આ ઉપરાંત ખંભાતમાં 5,231,બોરસદમાં 5,519,આંકલાવમાં 5,465, પેટલાદમાં 5,799 અને સોજીત્રામાં 5,487 યુવા મતદારો નોંધાયા છે.