આજે બીજા તબક્કાનાં ઉમેદવારોનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલમાં કોંગ્રેસને ઉમેદવાર બદલવા પડ્યા છે. હાલોલમાં કોંગ્રેસે અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. પહેલા કોંગ્રેસે રાજેન્દ્ર પટેલની જાહેરાત કરી હતી. રાજેન્દ્ર પટેલે હાલોલથી લડવાની ના પાડતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસે તમામ બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ગઇકાલે સાંજે જ કોંગ્રેસે બાકી 37 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. જોકે, છેલ્લી ઘડીએ હાલોલમાં ઉમેદવાર તરીકે જાહેર કરેલા પૂર્વ એમએલએ રાજેન્દ્ર પટેલે હાલોલથી નહીં પરંતુ ગોધરાથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે કોંગ્રેસે હાલોલમાંથી અનિશ બારિયાને મેન્ડેટ આપ્યું છે. જેના કારણે પંચમહાલ રાજકારણમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. હાલોલ વિધાનસભા બેઠક પર 1985થી 1998 સુધી કોગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2002માં પ્રથમ વખત જયદ્રથસિંહને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસના ઉદેસિંહ બારિયાને હરાવી ભાજપને જીત અપાવી હતી. આ પછી તો વર્ષ 2002થી 2017 સુધી આ વિધાનસભા બેઠક પર ભાજપાનો દબદબો રહ્યો છે. અહીંના ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ગુજરાત સરકારમાં મંત્રી રહી ચુક્યા છે.