નર્મદા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની સમીક્ષા માટે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર ટી.વી. સુભાષ, ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજન અને પોલીસ નિરીક્ષક પંકજ નૈનની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ ઉક્ત બેઠકના પ્રારંભે જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકનું સ્વાગત કરી તેઓને આવકાર્યા હતા.. તેમણે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વેની ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની વિગતવાર જાણકારી નિરીક્ષકઓને આપી હતી. ચૂંટણીપંચની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો પણ તેમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ બેઠકમાં રજૂ કરી હતી.
જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈ.વી.એમ. સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો ચુસ્ત અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનીટરીંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિસ્તૃત જાણકારી વિગતવાર નિરીક્ષકઓને આપવામાં આવી હતી.
જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષે જિલ્લાના બન્ને વિધાનસભા વિસ્તારની વિગતવાર માહિતી મેળવી ઉપયોગી સૂચનો કર્યાં હતાં અને ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને ઉમેદવારોને રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યારે પોલીસ નિરીક્ષક પંકજ નૈનએ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી