ખંભાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ 108 ખંભાત વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુર રાવલ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ દ્વારા 178 ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આણંદ ખાતે હાજર રહ્યા હતા. ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર મયૂર રાવલને રીપિટ કરવામાં આવ્યા છે. મયુર રાવલની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. ભારે જનમેદની વચ્ચે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલ કાર્યકર્તાઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સીધો સંવાદ કર્યો હતો. ખંભાત બેઠક પર ભાજપને બહુમતી સાથે વિજય બનાવવા ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનની હાજરીને કારણે કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો.