આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે યુવાધનમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિને લઈને ગરબાપ્રેમીઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોના મહામારીને પગલે બે વર્ષ સુધી લોકોને ગરબાથી દુર રહેવું પડ્યું હતું. જેના લીધે ગરબાપ્રેમીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો જો કે બે વર્ષ બાદ આખરે એ અવસર આવી ગયો જયારે ગરબાપ્રેમીઓ દિલ ખોલી ગરબે ઘૂમશે.
બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે વર્ષ બાદ નવરાત્રિ યોજતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ વખતે કોઈ કચાસ નહિ છોડવામાં આવે. GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રિમહોત્સવને આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
કોરોના મહામારી બાદ આ વર્ષે રાજ્યભરમાં મોટાપાયે નવરાત્રીનું આયોજન કરાયું છે. અમદાવાદની વાત કરીએ તો મોટાભાગના પાર્ટીપ્લોટને રાસ ગરબા માટે મંજુરી આપવામાં આવી છે. શેરી ગરબાનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરને પણ મંજુરી આપવામાં આવી છે . નવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.