પાટડીના ઐતિહાસિક શક્તિમાતાના મંદિરે નવલી નવરાત્રિમાં પ્રથમ નોરતે 51 બાળાઓ દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવશે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પાંચ ભૂ દેવો, પાંચ ઢોલી, રાવળદેવ ડાક સાથે સફેદ ઘોડી, દેવી ભાગવત પુસ્તક, ત્રિશુલ, દ્વજદંડ, અખંડ જ્યોત અને 21 કળશ સાથે ચાચર ચોકમાં માતાજીની આગવી ઢબે સ્થાપના કરવામાં આવશે.51 દિકરીઓ માતાજીની સ્થાપના કરશે સોમવારથી શરૂ થતી નવલી નવરાત્રિમાં આખી રાત ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચઢ્યું છે.ત્યારે શક્તિમાતાની પ્રાગટ્યભૂમી એવા પાટડીના ઐતિહાસિક શક્તિમાતાના ચાચર ચોકમાં નવલી નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં પહેલા નોરતે સાંજે 6-30 કલાકે માતાજીની આરતી કરીને વિવિધ શાળાની 51 દિકરીઓ દ્વારા પાંચ ભુદેવો, ડાકવાળા, ઢોલી, સફેદ અશ્વ સાથે પાટડી સ્ટેટ અને રાજવી પરિવાર સાથે નગરના વિશિષ્ઠ આગેવાનોની હાજરીમાં ગગનભેદી વૈદિક મંત્રોચ્ચારો સાથે ધાર્મિક વિધીનુસાર માતાજીને ચાચર ચોકમાં તલવાર-દેવી ભાગવત પુસ્તક, અખંડ જ્યોત, ત્રિશુલ, અમર, સડી સાથે માતાજીની મૂર્તિની અનોખી રીતે સ્થાપના કરવામાં આવે છે.
મંદિરને લાઇટ અને ડેકોરેશનથી અનોખી રીતે શણગારાયું
પાટડીના ઐતિહાસિક શક્તિમાતાના મંદિરે 51 દિકરીઓ દ્વારા માતાજીની સ્થાપના કરાયા બાદ આરતી કરીને એજ દિકરીઓને શ્રધ્ધાપૂર્વક એક ગરબો ગવડાવીને આયોજકો દ્વારા દરેક દિકરીઓને સુંદર મજાની ગીફ્ટ આપવામાં આવે છે. ત્યારબાદ નવલી નવરાત્રિના નવ દિવસ આખી રાત ગરબાની જોરદારરમઝટ જામશે. જેની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. પાટડીના ઐતિહાસિક શક્તિમાતા મંદિરને નવલી નવરાત્રી માટે લાઇટ અને ડેકોરેશનથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.
શ્રી શક્તિ માં મંદિર આઠમે માલધારી સમાજના અનોખા ગરબા
પાટડી શક્તિમાતા મંદિરના વહીવટકર્તા રસિક પટેલે જણાવ્યું કે, શક્તિમાતાના મંદિરે નવલી નવરાત્રિમાં આઠમની રાત્રે એક વાગ્યે માત્ર માલધારી સમાજના જ અનોખા ગરબા યોજાય છે. જેમાં પાટડી સહિત આજુ-બાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં માલધારી સમાજ ઉમટીને શ્રધ્ધાપૂર્વક માતાજીના ગરબા ગાવામાં
લીન બની જાય છે.