બોડેલી તાલુકાના વડદલા ગામના રહીશ ગિરધરભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે હું પ્લમ્બિંગ કામના કોન્ટ્રાકટર જોડે મજુરી કરતો હતો. પરંતુ મને હવે આદિજાતિ વિકાસ વિભાગની માનવ ગરિમા યોજના હેઠળ પ્લમ્બિંગ કામના સાધનો મળતા મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકીશ એમ જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા છેવાડાનો માણસ પણ ધંધો રોજગાર કરી પોતાનું જીવન ધોરણ ઉંચું લાવી શકે એ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સ્વ રોજગાર કરવા માંગતા કુશળ કારીગરો માટે માનવ ગરીમા યોજના જેવી યોજનાઓ કોઇ આશિર્વાદથી કમ નથી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કારીગરોને રૂપિયા વીસ હજારની મર્યાદામાં તેમના વ્યવસાયમાં ઉપયોગી થાય એવા સાધનો આપવામાં આવે છે. જેનાથી કારીગરો તેમની આવડત મુજબનો વ્યવસાય કરી શકે છે.
વડદલા તા. બોડેલીના ગિરધરભાઇ રાઠવાને પણ રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરી, છોટાઉદેપુરથી પ્લમ્બિંગ કામના સાધનો આપતા હવે તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે સક્ષમ બન્યા છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા ગિરધરભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, હું કોન્ટ્રાકટર સાથે મજૂરી કરવા જતો હતો ત્યાંથી મેં આ કામ શીખ્યું છે. છેલ્લા ઘણા સમયથી હું મારૂં સ્વતંત્ર કામ શરૂ કરવાનું વિચારતો હતો. પરંતુ મૂડીના અભાવે હું કામ શરૂ કરી શકતો ન હતો. મને મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરી, છોટાઉદેપુરથી માનવ ગરીમા યોજના અન્વયે સાધન સહાય આવે છે એવી ખબર પડતા મેં અરજી કરી હતી.
મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરીમાં મારી અરજી મંજુર થતા મને પ્લમ્બિંગ કામના સાધનોની કીટ આપવામાં આવી છે. જેનાથી હું મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ શકીશ તથા મારી સાથે અન્ય વ્યક્તિઓને પણ રોજગારી આપીશ એમ ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ થવાથી હવે હું મજૂર રહીશ નહીં. હવે હું મજૂર મટી માલિક બની જઇશ એમ કહી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ભાવુકપણે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજય સરકારની માનવ ગરીમા જેવી વ્યક્તિલક્ષી યોજનાએ માત્ર ગિરધરભાઇ રાઠવાના જ નહીં તેમના જેવા લાખો લોકોના જીવનમાં ઉમંગનો સંચાર કર્યો છે.</div>