દર વર્ષે સમગ્ર રાજ્યમાં લોકો ફળોના રાજા કેરીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારના પગલે આંબાવાડીઓમાં કેરીનો પાક માંડ 20 ટકા જેટલો જ બાકી બચ્યો હોવાથી ચાલુ વર્ષે કેરીનો ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે. જેથી છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે ખેરગામ APMCમાં કેરીના પ્રતિ 20 કિગ્રાના ભાવમાં 200થી 300 રૂપિયા જેટલા નીચે ગગડયા છે.શરૂઆતમાં કેસર અને હાફૂસ કેરીના ભાવ 2500થી 3000 હજાર રૂપિયા હતો. બાદમાં માર્કેટમાં કેરીની આવક વધતાં 1200થી 1600 રૂપિયા ઉપર પહોંચ્યો હતો.
જે વરસાદના આગમન બાદ 1000થી 1200 રૂપિયા ઉપર પહોંચી જતા કેરી રસીકો કેરી ખરીદી કરવામાં રસ દાખવી રહ્યા છે. ખેરગામ તાલુકામાં 1835 હેક્ટર સહિત જિલ્લામાં 33845 હેક્ટરમાં આંબાવાડી ઓ આવેલી છે. ચાલુ વર્ષે આંબાવાડીઓમાં દર વર્ષની સરખામણીએ એક માસ જેટલું મોડું ફ્લાવરિંગ થયું હતું. દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં આંબાવાડીમાં ફ્લાવરિંગ થતું હતું. જે ચાલુ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં થયા બાદ કમોસમી વરસાદ, ગાઢ ધુમ્મસ, કાળઝાળ ગરમીને પગલે આંબાવાડીઓમાં આમ્રમંજરી કાળી પડી જવા સાથેના મોરવા ખરી પડતાં કેરીનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતો સરકાર સામે સહાયની માગણી કરી હતી.