ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની કડોદરા શાખામાં લૂંટની ઘટના બનાવી હતી. ડુપ્લીકેટ બંદૂક લઈને ઘુસેલા એક લૂંટારુએ 4 કર્મચારીઓને બાનમાં લઈ માત્ર 4 મિનિટમાં 6.83 લાખની દિલધડક લૂંટ ચલાવી બેંકને મુખ્ય દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, લૂંટરું પહેલાં રિક્ષા બાદ સાઇકલ લઈને ભાગ્યો હતો. સાઇકલ લઈ હલધરું ગામના રસ્તા તરફ અંદાજીત ત્રણ કિલોમીટર બાદ સાઇકલ છોડી પગપાળા ફરાર થઈ ગયો હતો.
કડોદરા પોલીસનો કાફલો તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડોદરા ખાતેની ગુના સ્થળની વિઝીટ લઈ તાબડતોબ ગુનો ઉકેલાય તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા હતા. કડોદરા ચાર રસ્તા પર ભીડભાળ વાળી જગ્યાએ ધોળેદિવસે થયેલી દિલધડક લૂંટથી કડોદરાની પ્રજામાં રીતસરનો ભય ફેલાયેલો જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ ગુનેગાર સુધી પહોંચવાની એડીચોટીનું જોર લગાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.