આણંદ ફાયર બ્રિગેડની નજીક આવેલા સંકલ્પ કોમ્પ્લેક્ષમાં ગટરના કુવામાં ત્રણ યુવકો એકાએક ગરકાવ થઇ જતાં ઝેરી ગેસ ચઢી ગયો હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના દુકાનદારોને જણ થતાં બૂમાબૂમ કરી મુકીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે આણંદ ફાયરબ્રિગેડને જણ થતાં ફાયરના જવાનો દોડી આવીને રેસ્કયુ કરીને ગટરમાં ગરકાવ થઇ ગયેલા યુવકોને બહાર કાઢીને સારવાર માટે આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે સિવિલ હોસ્પિટલ તબીબે બે યુવકોની તબીયત ગંભીર હોય તાત્કાલિક કરસમદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં વોર્ડ બોયને ગેસ ચઢી જતાં ઓકસીજન આપીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આણંદ શહેરના ઇન્ડોઆફ્રિકા હોલ પાસે આવેલા સંકલ્પ કોમ્પ્લેક્ષમાં નીચેના ભાગે ખાળકુવા અને ગટર આવેલા છે. જેમાં ગટર ખુલ્લી રાખવામાં આવી હતી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવેલી હતી. બપોરે સાંજના સમયે મહાકાળી સેવ ઉસળનો કર્મચારી વાસણ માંજવા માટે ગયો ત્યારે અચાનક જ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. જેથી અન્ય કર્મચારીએ બૂમાબૂમ કરતાં દુકાન માલિક કમલેશ પટેલ દોડી આવ્યા હતા. તેને બચાવવા માટે તેઓ ગટરમાં ઉતરતા તેઓને પણ ઝેરી ગેસ ચઢી ગયો હતો.