ચલથાણ ગામની સીમમાં રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને છાતીમાં ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ, અજાણ્યા હત્યારાઓ ભાગી ગયા હતા. પલસાણા તાલુકાનાં ચલથાણ ગામના ગાયત્રી નગરમાં રહેતો પ્રમોદ રામલલિત ચૌધરી (35) (મૂળ બિહારના ) છેલ્લા એક વર્ષથી તાતીથૈયા ગામે આવેલી શ્રીરામ ડાઇંગ એન્ડ પ્રિંટિંગ મિલમાં આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટર તરીકે નોકરી કરતો હતો. તેના લગ્ન 2007માં સીમાદેવી સાથે થયા હતા, તેમને કોઈ સંતાન ન હતા.
12મી જૂનના રોજ રાત્રિના સાડા 11 વાગ્યાની આસપાસ પ્રમોદના મિત્ર રાકેશ રાયએ સીમાદેવીને ફોન કરીને જણાવ્યુ કે પ્રમોદને કોઈએ ચપ્પુ મારી દીધું છે અને લોહી લુહાણ હાલતમાં તાતીથૈયાથી ચલથાણ જવાના રોડ પર રેલ્વે ક્રોસિંગબ્રિજ પાસે પડેલ છે. આથી સીમા દેવીએ તેમના પાડોશીઓ રામનારાયણ દસ ઉર્ફે ડોક્ટરજી તેમજ સુનિલેભાઈને ત્યાં મોકલ્યા હતા.સ્થળ પર જોતાં પ્રમોદને છાતીના ભાગે ત્રણ ચપ્પુના ઘા વાઘેલા હોય લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. મૃતકની પત્ની સીમાદેવીએ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.