નવસારી પશ્ચિમની અનેક રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી પુરતું ન અપાતું હોવાની બુમરાણ મચી છે. કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કર, બંબા મોકલવા પડી રહ્યા છે. નવસારી વિજલપોર પાલિકા અન્ય વિસ્તારોની જેમ શહેરની પશ્ચિમે આવેલ સોસાયટીઓમાં પણ પાણી આપે છે.જોકે હાલના દિવસોમાં પશ્ચિમે આવેલ અનેક સોસાયટીઓમાં પૂરતું પાણી મળી ન રહ્યાની ફરિયાદ બહાર આવી છે.જે વિસ્તારોમાં ફરિયાદ છે. તેમાં સ્મૃતિકુંજ સોસાયટી, શીતલ સોસાયટી, બંદર રોડ નજીકની પટેલ ચાલ, તાસ્કંદ નગર વિસ્તાર, શેઠજી વકીલ ચાલ નજીકનો વિસ્તાર વિગેરેનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ કેટલાક વિસ્તારમાં અઠવાડિયાથી તો કેટલાક વિસ્તારમાં તો ઘણા દિવસથી બુમરાણ છે. પાણી ઓછું આવવું યા ખૂબ જ ઓછું આવવાની ફરિયાદ છે. કેટલીક જગ્યાએ લિકેજની ફરિયાદમાં તો પાલિકા મરામત કરે છે જ્યારે કેટલીક જગ્યાએ લોકોને પાણી આપવા ટેન્કરો મોકલવા પડે છે. સ્મૃતિકુંજ, પટેલચાલ સહિતની અનેક જગ્યાએ નગરપાલિકા હાલ રોજ પાણીના ટેન્કર યા બંબા મોકલી રહી છે. લોકોએ પાણી માટે પૈસા ખર્ચવાની પણ ફરજ પડી રહી છે. અનેક દિવસોથી ફરિયાદ હોવા છતાં પાલિકા હજુ સુધી સમસ્યાનો કાયમી હલ કરી શકી નથી, માત્ર કામચલાઉ હલ કરવામાં આવી રહ્યો છે.