આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉનાળાના વેકેશનમાં બંધ ભાસી રહેલી સ્કૂલો આજથી ફરી ધમધમવા લાગી છે. વિદ્યાર્થીઓના કિલકારીઓથી શાળા તથા કેમ્પસ ગુંજી ઉઠયું છે. ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામા આવેલી એક માત્ર કલરફુલ શાળા, કે જ્યાં શાળાની એક એક દિવાલ તો કલર ફૂલ છે સાથે વર્ગખંડ પણ કલરફુલ છે. તો તેની સાથે સાથે કેમ્પસ પણ એટલું જ કલરફુલ છે. વાત આટલેથી નહી અટકતા અહીંયાનું શિક્ષણ પણ એટલું જ કલરફુલ બાળકોને મળી રહ્યું છે. આ નજારો નડિયાદ તાલુકાના નાનકડા ગામ વાલ્લા ગામની પ્રાથમિક શાળાનો છે. અહીંયા માત્ર પુસ્તકિયું જ્ઞાન નહી, પરંતુ જીવન લક્ષી જ્ઞાન પણ પીરસવામાં આવી રહ્યું છે.
બાળ દેવોને શાળાએ આવવું ગમે રોકાવું ગમે તે હેતુસર શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આચાર્ય જયપાલસિંહ ઝાલા અને ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા શાળાના એકે એક વર્ગખંડમા ભીંતચિત્રો દ્વારા ક્યાં ગણિતની તો ક્યાંક વિજ્ઞાનની તો ક્યાંક જીવનલક્ષી, સમાજલક્ષી જાણકારી આપવામા આવી રહી છે. આટલેથી જ વાત નહીં અટકતાં કેમ્પસમાં પર્યાવરણની જાગૃતિ ને લઇ વિવિધ ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. જેથી કુમળા બાળકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને પાયાનું શિક્ષણ મેળવી શકે તેવા હેતુસર ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જાત મહેનત દ્વારા આ તમામ ભીંત ચિત્રો દોર્યા છે.