સુરતમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વચ્ચે ઉનાળું સત્ર પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ થઈ છે. ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. 90 ટકા હાજરી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના ચહેરા ઉપર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું. ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે જ બાળકો પોતાના પુસ્તકો સાથે શાળાએ પહોંચી ગયા હતા. જોકે, શાળાઓ દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, બાળકોમાં શરદી ઉધરસ કે તાવ જેવું લાગે તો તેમને શાળાએ મોકલવા નહીં.
વેસુ વિસ્તારમાં આવેલી શારદાયતન શાળાના પ્રિન્સિપાલ હિમાંક શુક્લાએ જણાવ્યું કે સુરત શહેરમાં છેલ્લા દસ પંદર દિવસથી સતત કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. હવે કોરાના પોઝિટિવ કેસો ડબલ ડિજિટમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. છતાં પણ બાળકોની સુરક્ષામાં અમે કોઈપણ પ્રકારની કચાશ રાખવા નથી. બાળકો શાળામાં આવે તે પહેલાં તમામ સ્વચ્છતાની તૈયારી કરી લેવામાં આવી હતી. વોટર ટેંકથી લઈને અન્ય તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓને પહેલાંથી સૂચના આપવામાં આવી છે કે બાળકોમાં શરદી ઉધરસ કે તાવ જેવું લાગે તો તેમને શાળાએ મોકલવા નહીં.