આણંદના મોગરી ખાતે શિક્ષણ તીર્થ અને સામાજિક સેવાભાવી સંસ્થા અનુપમ મિશન દ્વારા તપોભૂમિ બ્રહ્મજ્યોતિ ખાતે પ્રતિમાસ યોજાતી કિર્તન સંધ્યા દરમિયાન સંતો અને અક્ષરમુક્તો દ્વારા સુંદર ભજનોની રમઝટ થકી દેવસ્તુતિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના ધો.10 અને 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી સંસ્થાના નામનો ડંકો વગાડનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ગુણાતીત સંતો તેમજ સમાજના દેશવિદેશમાં રહેતા લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવોને હસ્તે ખેસ પહેરાવી પુરસ્કાર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતભગવંત સાહેબદાદાએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, સંતોની પ્રાર્થના, વાલીઓનું સમર્પણ અને શિક્ષકોનાં જતન-આત્મિક પોષણ-સિંચન સાથે બાળકોના પુરુષાર્થના સહિયારા પ્રતાપે વિદ્યાર્થીઓ વધુ સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થયા તે સહુ અભિનંદનને પાત્ર છે. બાળકને ભણાવી ગણાવી સારો માનવી બનાવી સમાજને અર્પણ કરવો એ જ શ્રેષ્ઠ પ્રભુસેવા છે. બાળકને શિક્ષણ સાથે ઇતર રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડી તેની પ્રતિભા નિખારી તે આત્મનિર્ભર થાય, ચરિત્ર્યવાન બને તેવી તાલીમ આપવાથી બાળક ખરેખરો દેશપ્રેમી તથા સમાજસેવી બને છે. આવી તાલીમ યોગી વિદ્યાપીઠની શાળાઓમાં આપવામાં આવે છે. જેનાં ફળરૂપે વિદ્યાર્થીઓ આજે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવી રહ્યાં છે અને આગળ પણ આમ જ ઉન્નતિનાં શિખરો સર કરી ગુરુ, માતાપિતા તથા સમાજને ગૌરવ અપાવતા રહે, તનમનધનને આત્માથી ખૂબ ખૂબ સુખિયા થાય તેવી પ્રભુચરણે પ્રાર્થના છે.