રાજયની શાળાઓમાં ચાલુ મહિનાથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓએ સ્કૂલ ડ્રેસ,બૂટ,પુસ્તક સહિતની સામગ્રી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. કેટલીક બિનઅનુદાનિત એટલે કે સ્વનિર્ભર શાળાઓ-સંસ્થાઓ સ્કૂલમાં જ સ્ટોલ નાખીને અથવા તો ચોક્કસ દુકાનમાંથી જ ડ્રેસ સહિતની વસ્તુઓ ખરીદવા વાલીઓને આગ્રહ કરતી હોવાની ફરિયાદ ઊઠી છે. જેના પગલે રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એવો આદેશ કર્યો છે કે, કોઇપણ શાળા કે સંસ્થા ચોક્કસ દુકાન,સંસ્થા કે માર્કાવાળી વસ્તુ ખરીદવાનું વિદ્યાર્થીઓ કે વાલીઓને દબાણ કરી શકશે નહીં. શાળાઓ આવું કરશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.શિક્ષણ મંત્રી સ્વનિર્ભર શાળાઓ વિદ્યાર્થીઓ-વાલીઓને સ્કૂલ ડ્રેસ,બુટ સહિતની વસ્તુઓ ચોક્કસ સ્થળેથી ખરીદવાનો આગ્રહ કરતી પ્રથમ વખત ઝડપાઇ તો રૂ. 10 હજારના દંડની જોગવાઇ કરાઇ છે.
શાળાઓ આવા ગુનામાં બીજી વખત પકડાઇ તો રૂ. 25 હજારના દંડ ફટકારાશે. શાળાઓ પાંચ કે તેનાથી વધુ વખત અનિયમિતતા આચરે તેમની માન્યતા રદ કરવા સુધીના પગલા ભરાશે. શિક્ષણ મંત્રીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ આ જોગવાઇનો કડક અમલ કરવાની તાકિદ કરી છે.સરકારી શાળાનાં બાળકોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન અપાશે. આ સાથે આ સ્થળોથી તેઓ વધુ પરિચિત થાય તેટલા માટે તેવાં સ્થળોની સરકારી ખર્ચે પ્રવાસ સહિતની વ્યવસ્થા પણ કરાવાશે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સ્થળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ એવા વડનગરનાં ઐતિહાસિક સ્મારકો જેવાં કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સૂર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવાંસ્થાપત્યોની માહિતી બાળકોને અપાશે.