રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને પગલે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જે બાદ વરસાદી છાંટા પડ્યા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચોમાસું શરૂ થવાની શરૂઆત થઇ હોય તેમ વરસાદી વાતાવરણને કારણે લોકોને હાલ ગરમીથી રાહત મળી હતી.નવસારીમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાં હતા.
વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વરસાદી વાતાવરણ બનતા ખેડૂતો થોડા ચિંતીત જોવા મળ્યાં છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે. જેથી વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. જેથી ખેડૂતોનું માનવુ છે કે, 20 મી જૂન પછી વરસાદ આવે તો વધુ અનુકુળ રહેશે. કેરીની સીઝન દોઢ મહિના લેટ ચાલતી હોવાથી હજુ કેરીનું વેચાણ કાર્યરત છે. એવામાં વરસાદી માહોલ ઊભો થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. શહેરમાં વહેલી સવારે વરસાદી છાંટા આવ્યા બાદ લોકોને બફારાનો પણ અનુભવ થયો છે. જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.