જીવનના ત્રણ પડાવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. યુવાવ્યથામાં કંઈક કરી બતાવવાની ભાવના સૌકોઈમાં હોય છે. વૃદ્ધાવસ્થામાં (Old age) લોકો નિવૃત્તિ પસંદ કરતા હોય છે, પરંતુ જેતપુરના મેવાસા ગામમાં વૃદ્ધ દંપતીએ આરામ કરવાને બદલે કાંડાની કમાણીએ જીવન જીવવાનો નિર્ધાર કર્યો અને તેઓ આજે બરફના ગોળા વેચી આત્મનિર્ભર બન્યાં છે. યુવાનોને શરમાવતા આ વૃદ્ધ દંપતીની ઉંમર 70 વર્ષ છે. આ દંપતી 40 વર્ષથી ગોળા વેચે છે અને દૈનિક રૂ.12 હજારની કમાણી કરે છે.
સાત દાયકાની તડકીછાંયડી જોનારા મેવાસા ગામના મોજીલા દાદા-દાદી બરફનો ગોળો બનાવવામાં મહારથ છે. જેથી જેતપુરથી લઈને જૂનાગઢ-ગોંડલ સુધી અને આ તરફ રાજકોટ સુધીના લોકો દાદા-દાદીના ગોળા ખાવા માટે આવી રહ્યા છે. મેવાસા ગામનાં 70 વર્ષના દંપતી મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાનાં સંતાનો સુરતમાં ગોળા વેચવાનો જ ધંધો કરે છે, જ્યારે દીકરાના નામથી જ આ દંપતી મેવાસા ગામમાં ગોળા વેચવાનો ધંધો કરે છે અને એ પણ આત્મનિર્ભર રીતે જીવવા માટે.