શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં નવસારી જિલ્લાના ખૂડવેલ ખાતે યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાનમાં આદિજાતિ વિસ્તારમાં રૂા.૩,૦૫૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો-યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં તાપી જિલ્લાના ૨.૭૭ લાખ નાગરિકોને વીજળી પૂરી પાડવા રૂા.૮૫.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વીરપુર વ્યારા સબસ્ટેશનનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવનાર છે. આ અન્વયે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાએ તાપી જિલ્લાના લોકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, “આ ટેકનોલોજી ડ્રિવન સબ સ્ટેશન છે. સીંગલમેન હેન્ડલ સબ સ્ટેશન દ્વારા તાપી જિલ્લાના અંતરિયાળ તાલુકાઓ જેમાં ખાસ કરીને સોનગઢ, ઉચ્છલ નિઝર અને ડાંગ જિલ્લાના શુબીર તાલુકા સહિત બોર્ડના ગામોને ગુણવત્તા સભર અને પુરા વોલ્ટેજથી વિજપુરવઠો આપી શકીશુ. આ સબસ્ટેશન દ્વારા ઘર વપરાશ અને ખેતી કામ માટે વિના અવરોધ વિજળી પ્રાપ્ત થશે. તાપી જિલ્લાના ૨.૭૭ લાખ નાગરિકોને વીજળી પૂરી પાડવામાં આવશે.
આ સબસ્ટેશન સમગ્ર આદિવાસી જિલ્લાઓમાં એકમાત્ર ૨૨૦ કેવીની ક્ષમતા ધરાવતું તાપી જિલ્લાનું વિરપુર સબ-સ્ટેશન અદ્યતન ટેકનોલોજીથી સુસજજ છે. જેના થકી તાપી જિલ્લાના નાગરિકો લાભાન્વિત થશે.” અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૦૬.૫૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ તાપી જિલ્લાનું એકમાત્ર ૨૨૦કેવી વિરપુર સબ-સ્ટેશન અદ્યતન ટેકનોલોજીથી સુસજજ અને માનવ રહિત સબ-સ્ટેશન છે. જેનું સંચાલન ભરુચ જિલ્લાના ૨૨૦કેવી અછાલિયા સબ-સ્ટેશન કે જે વિરપુરથી આશરે ૧૦૦ કિમિ દુર છે જે SCADA થી કરવામા આવે છે. આ સબ-સ્ટેશનથી તાપી જિલ્લાના ૨ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સીધો લાભ થશે. આ સબ-સ્ટેશન રાજય સરકારના પછાત વિસ્તારના વિકાસ માટે ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ પછાત વિસ્તારના વિકાસ માટે મુડીરોકાણના વળતરને ધ્યાને લીધા સિવાય આ વિસ્તારમાં રહેતી જનતાના વિકાસ માટે ઉભું કરવામાં આવ્યું છે. જે તાપી જિલ્લાના નાગરિકોના વિકાસમાં સિંહ ફાળો ભજવશે.