પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવી છે જેમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે વૃક્ષ ઉછેરને મહત્વ આપતી ડિઝાઇન સાથે `વૃક્ષ વાવો’ના સુત્રથી કંકોત્રીમાં સુંદર લખાણ કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે જ કંકોત્રી જાહેર કરાઇ હતી. સમૂહશાદી દરમિયાન વન વિભાગના સહયોગથી રોપાનું પણ વિતરણ કરાશે. ખીદમત-એ-ખલ્ક દ્વાર સતત બીજી વખત પોરબંદરમાં સમૂહશાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ બચાવવાની થીમ ઉપર કંકોત્રી બનાવડાવી છે. આ કંકોત્રી વિશ્વ પર્યાવરણ દિવસે જ સોશ્યલ મીડિયાના માધ્યમથી દુલ્હા-દુલ્હનના પરિવાર અને આગેવાનો, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ, નિમંત્રીતો સુધી પહોંચાડવામાં આવી છે. તા . ૧૨-૦૬-ર૦રર, રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝ ઈસ્માઈલ મુંડા એ જણાવ્યું હતું કે, પોરબંદરમાં બીજી વખત સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની નિકાહ દરમિયાન બપોરે ૪:૦૦ વાગ્યાથી આયોજીત કાર્યકમમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ અનુસંધાને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. દુલ્હા-દુલ્હન સહિત મહેમાનોને અને ઉપસ્થિત તમામને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વૃક્ષો વાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે અને તા.૫ થી ૧૨ પર્યાવરણ સપ્તાહની ઉજવણી વિ.જે.મદ્રેસા ખાતે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સૈયદ સઆદતઅલીબાપુ (પોરબંદર), સૈયદ જલાલબાપુ (પોરબંદર), નહઝરત અલ્લામા-વ-મૌલાના મુફતી અશરફરઝા બુરહાની (રતનપુર ખેડા) અને નપીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ નૂરી (સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નુરીચ્ચાહ, જુનાગઢ), મોલાના હાજી યુસુફ હશ્મતી મોલાના હાફીઝો કારી જાવિદ, મોલાના મેઅરાજઅલી (દાદાબાપુ) (માધવપુર) તેમજ સાદાતે કીરામ અને ઓલમા-એ-કીરામ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્થિત આ ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા ડબલ્યુ એમ.ઓ, જુનાગઢના સીટી ચેરમેન મહેબુબભાઈ વિધા ટેકનીકલ ડાયરેકટર કલેકટર ઓફીસના ઈબ્રાહીમ બાદી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રોટેકશન રેન્જ પોરબંદરના અરૂણકુમાર બી. સરવૈયા ખાસ ઉપસ્થિત રહી નવદમ્પતીઓ ને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવશે.