રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં રહી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા મૂળ બોટાદના તુષાર હરીકૃષ્ણભાઈ કાલકીયા (ઉં.વ.18)એ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂકાવી છે. પરંતુ અભ્યાસને કારણે ડિપ્રેશનમાં આવી જિંદગી ટૂંકાવી લીધાની શક્યતા જોવામાં આવી રહી છે.તુષાર અભ્યાસની સાથોસાથ સ્વામિનારાયણ સંસ્થામાં સેવા પણ આપતો હતો. ગત તારીખ 2 જૂનના રોજ મોડી રાત્રે તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અહીંથી વધુ સારવાર માટે બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહી તેણે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.જે-તે વખતે મિત્રો વગેરેની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તુષાર ખરેખર ક્યો અભ્યાસ કરવો તેની મૂંઝવણમાં રહેતો હતો. ઘણીવાર તે UPSC, GPSCની તૈયારી કરવાની તો ઘણી વખત તે BCA કરવાની વાત કરતો હતો. આ રીતે તે ક્યો અભ્યાસ કરવો તે નક્કી કરી શકતો નહોતો. પરિણામે તેણે અભ્યાસને કારણે ડિપ્રેશનમાં આવી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. તેણે જ્યારે પગલું ભર્યું ત્યારથી જ બેભાન હોવાથી પોલીસ તેનું નિવેદન લઈ શકી નહોતી. હાલ ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.