સાબરકાંઠાના તલોદ તાલુકાના અણીયોરમાં ગીરો મુકેલ અવેજ ચૂકવી ગીરોમુક્ત કરાવી હોવા છતાં ગીરો રાખનાર શખ્સના વારસદારો હેરાન કરતા હોઈ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત અરજી થયા બાદ તલોદ મામલતદાર કચેરીએ તૈયાર કરેલ અહેવાલ બદલવા પૈસાની માંગણી કરતા અરજદારે એસીબીનો સંપર્ક કર્યા બાદ તલોદ મામલતદાર કચેરીમાં જ મંગળવારે પૈસા આપવાનું નક્કી કર્યા બાદ કચેરીના ગેટની બહાર ગાડીમાં બોલાવી રૂ. 50 હજાર લેતા મહેસુલી ક્લાર્ક ધર્મેશભાઈ ભીખાભાઇ દેસાઇને અરવલ્લી એસીબીએ રંગે હાથે ઝડપી પાડતા કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને લાંચીયા ક્લાર્કની ગાડીમાંથી વધુ રૂ.11 લાખ મળી આવ્યા હતા.વહીવટી તંત્રના મહેસુલ વિભાગમાં નર્યો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોવાની ચર્ચાઓને એસીબીના લક્ષ્યાંક પૂરા કરવાની સીમીત ઘટનાઓ વખતે પુરૂ સમર્થન મળે છે.
તલોદ તાલુકાના અણીયોર ગામના વ્યક્તિની માતાએ પતિની માલિકીની જમીન ગીરો મુકયા બાદ અવેજ ચૂકવી ગીરોમુક્ત કરાવી હોવા છતાં ગીરો રાખનાર શખ્સના વારસદાર કોદરસિંહ નાથુસિંહ નાથુસિંહ ઝાલા વાવેતરને નુકશાન કરી હેરાન કરી રહ્યો હોવા અંગે લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત અરજી કર્યા બાદ તલોદ મહેસુલ વિભાગને તપાસ સોંપાઇ હતી.અરજદારનો તપાસ અહેવાલ તેની વિરુદ્વમાં જતો હોવાનું બતાવી અહેવાલ બદલવા અને અરજી મંજૂર કરાવવા રૂ.1.50 લાખની માંગણી કરી રકઝકને અંતે રૂ.50 હજાર નક્કી કરાયા હતા. પરંતુ અરજદાર લાંચ આપવા સહમત ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો અને મંગળવારે મામલતદાર કચેરીમાં જ લાંચ આપવાનુ નક્કી કર્યું હતું.જેને પગલે તલોદ મામલતદાર કચેરીમાં મહેસુલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ ભીખાભાઇ દેસાઇએ મંગળવારે બપોરે કચેરીની બહાર અરજદારને પોતાની ગાડીમાં બોલાવી રૂ.50 હજાર લાંચ લેતા અરવલ્લી એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો.
નોંધનીય છે કે કચેરીમાં ફફડાટ ફેલાવનાર આ બનાવ સમયે તલોદ મામલતદાર હાજર ન હતા.ધર્મેશભાઈની ગાડીમાં રૂ.11 લાખ મળ્યાનુ ACB સુત્રોએ જણાવ્યું હતું.લેન્ડ ગ્રેબીંગની અરજીઓમાં સેટીંગની ચર્ચાઓછેલ્લા બેએક વર્ષથી લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં આવ્યા બાદ ઢગલા બંધ અરજીઓ થઇ રહી છે અને કમીટી દ્વારા તપાસ સોંપવામાં આવે છે. અત્યાર સુધી ચર્ચાઇ રહ્યુ હતુ કે મોટાભાગની અરજીઓમાં તપાસ અહેવાલ તૈયાર કરવામાં બંને પક્ષ સાથે વાતચીત થાય છે અને જે ન ગાંઠે તેની વિરૂદ્વ નિર્ણય જાય છે અને આ કારણે જ લેન્ડ ગ્રેબીંગની અરજીઓના નિકાલ – નિર્ણયમાં વિલંબ થઇ રહ્યો છે.આ પ્રકારની ચર્ચાઓને તલોદની ઘટનાએ સાચી પૂરવાર કરી છે જો ભોગ બનનારે એસીબીનો સંપર્ક ન કર્યો હોત અને પૈસા આપી દીધા હોત તો તેને અનુકૂળ આવે તેવો અહેવાલ તૈયાર થઇ ગયો હોત. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અભિપ્રાય તૈયાર થઇ ગયો હતો પરંતુ તેમાં સક્ષમ અધિકારીની સહી થઇ ન હતી, પૈસાની રાહ જોવાઇ રહી હતી કદાચ !