પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે આજે 12.39ના વિજય મુહૂર્ત ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
આ તકે પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માંગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચડાવના ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા EBC આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેકની માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પણ હાર્દિકે ફેસબુક પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, ‘ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મક્કમ ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બની સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ આજરોજ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા.’ બીજી બાજુ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકે ગણાવવામાં આવેલ છે