અમરેલી જિલ્લામાં છેલ્લા 66 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના કારણે હવે માત્ર જિલ્લાના રાજુલા અને અમરેલીમાં જ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જિલ્લામાં અત્યારે કોરોના ટેસ્ટીંગની 80 ટકા સંખ્યા ઘટી ગઇ છે. એક સમયે અમરેલી જિલ્લામાં કોરોનાનો હાહાકાર હતો. લોકો ઓક્સીજન માટે હડીયાપટ્ટી કરી રહ્યા હતા. આ દ્રશ્ય અત્યારે લોકો યાદ કરે તો કેટલાકની આંખમાંથી આસુ વહી જાય છે. પણ અમરેલી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સમી ગઇ છે. છેલ્લા 66 દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લે 6 માર્ચના રોજ અમરેલીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. અને જિલ્લામાં કોરોનાના 6 એક્ટીવ કેસ હતા.
પરંતુ 11 માર્ચ જાણે અમરેલી જિલ્લામાં કોરોનાનો ખાતમો થઈ ગયો હોય તેમ જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો. એટલે કે જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ ન હતો. ત્યારથી લઈને આજ સુધી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના કારણે લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક સમયે જિલ્લામાં પ્રતિ દિવસના 3000 જેટલા લોકોના આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરાતા હતા. પરંતુ અત્યારે આ સંખ્યા માત્ર 600 એ પહોંચી ગઈ છે. જેના કારણે જિલ્લા વહિવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં અત્યારે રાજુલા સરકારી હોસ્પિટલ અને અમરેલી સિવીલ હોસ્પિટલમાં જ આરટીપીસીઆર કોરોના ટેસ્ટીંગ શરૂ છે. જેના કારણે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.