ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની જાહેર પરીક્ષા તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં યોજાઈ હતી. જામનગર શહેર અને ધ્રોલ ખાતે આવેલ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. જિલ્લામાં કુલ-૭૧ પરીક્ષા કેન્દ્રોમાં કુલ-૨૩૧૪૪ ઉમેદવારો નોંધાયેલા હતા જે પૈકી ૯૬૯૯ ઉમેદવારોએ પરીક્ષા આપી, જ્યારે ૧૩૪૪૫ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. કલેકટરશ્રી સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્ર ઉપર સી.સી.ટી.વી. કેમેરા, પરીક્ષા દરમિયાન વિજપુરવઠો ખોરવાય નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ પોલીસ અને આરોગ્યની ટીમ સહિત સંબંધિત અધિકારીઓને સુચારૂ વ્યવસ્થા સોંપવામાં આવી હતી. વધુમાં પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેઝેટસ, ડીજીટલ કે સ્માર્ટ ઉપકરણો કેલક્યુલેટર/સેલ્યુલર/ મોબાઇલ અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ કરવા કે લઇ જવાની મનાઇ ફરમાવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પી.પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ.કૈલા, શિક્ષણ નિરીક્ષક શ્રી મધુબેન ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના સ્થળ સંચાલકો એ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોઇ પણ પરીક્ષાર્થી કે કર્મચારીગણ મોબાઇલ કે સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ સાથે પરીક્ષાસ્થળે ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખી હતી.