ગરબાડા તાલુકાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય રીતે ફરજ બજાવનાર PSI પી.કે.જાદવ સેવા નિવૃત થતા તેમને સાથી કર્મચારીઓ તથા નગરજનો દ્વારા વિદાયમાન આપવામાં આવ્યુ હતું. PSI પી.કે જાદવે પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ, એએસઆઇ તથા પીએસઆઇ તરીકે અમદાવાદ, ગાંધીનગર તથા દાહોદ જિલ્લામાં ફરજ બજાવી છે અને છેલ્લે દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવી આજરોજ સેવા નિવૃત (વય નિવૃત) થયાં છે.
PSI પી.કે.જાદવ વય નિવૃત થતા પોલીસ વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનો વિદાય સમારંભ સાદાઈથી યોજવામાં આવ્યો હતો અને ગરબાડા પોલીસ સ્ટેશનના સાથી કર્મચારીઓ દ્વારા તેમને ફુલહાર પહેરાવી સ્મૃતિ ચિહ્નો આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું તેમજ ગરબાડા નગરના નગરજનો દ્વારા પણ PSI પી.કે.જાદવને શાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ચિન્હ આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. PSI પી.કે.જાદવ ગામમાં દરેક નાના મોટા વ્યક્તિને મદદરૂપ થવાની અને યોગ્ય ન્યાય આપવાની ભાવનાના કારણે તેઓ ગરબાડા નગરમાં લોકપ્રિય થયા હતા. PSI પી.કે.જાદવના વિદાય સમારંભ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ મથકના સ્ટાફ સહિત તાલુકાના સરપંચો તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.કે.જાદવ દ્વારા દરેક પ્રકારની કામગીરી સૂચરું રીતે કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા દાહોદના નવનિર્મિત દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લોકાર્પણ પ્રસંગે દાહોદ પધારેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે તેમને પ્રશંસા પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.