ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પટેલ સોસાયટી ખાતે ૩૨ વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા ટાંકી બનાવવામાં આવી હતી. જે ટાંકી જર્જરીત થતાં અને ઉપરથી ટાંકી ખવાઇ જતા તે ટાંકી ઉતારવા માટે તેમજ અન્ય વિવેકાનંદ નગરની પાણીની ટાંકી ઉતારવા માટે ટેન્ડર આપવામાં આવતા આ બન્ને ટાંકીઓ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦ વર્ષ અગાઉ બનાવેલી પાણીની ટાંકી માત્ર ચાર કલાકમાં પાડી દેવામાં આવી હતી. જ્યારે પટેલ સોસાયટીની ટાંકી પાડવા માટે ૩૬ કલાક મહેનત કરવી પડી હતી.
આ ટાંકી અડધી નિચેથી કાપી દેવામાં આવતા અને ટાંકી ન પડતા આજુબાજુના રહીશો માટે મુસ્કેલી અને આખી રાત ભયના ઓધાર હેઠળ પસાર કરી હતી. અને બીજા દિવસે પણ પાલિકા દ્વારા આ લોકોના ઘરમાંથી લોકોને બહાર ખસેડયા હતા અને સાંજ સુધી આ ટાંકી મોડ મોડ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજી તરફ કોમેન્ટ પણ થવા લાગી હતી કે પંચાયત દ્વારા બનાવેલ ટાંકી પાડવામાં બે દિવસ લાગ્યા ત્યારે પાલિકા દ્વારા બનાવેલ ટાંકી માત્ર ત્રણ કલાકમાં જ પડી ગઇ આને કહેવાય પાલિકાનો વિકાસ આમ કરીને લોકો ટીખળીઓ પણ કરતા જોવા મળ્યા હતા.