બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે.દિવસે ને દિવસે મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુર સિવિલમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કોવીડ કેર સેન્ટરો શરૂ કરાયાં છે.ત્યારે જિલ્લાના ખાનગી કોવીડ સેન્ટરોમાં સારવાર મેળવી રહેલા પોઝીટીવ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્સન પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી વિતરણ કરવામાં આવી રહ્યા છે.જેથી વહેલી સવારથી જ દર્દીઓના સગા ઇન્જેક્શન લેવા લાઈનમાં ઉભા હતા જોકે આજે ઇન્જેક્શનનો સ્ટોક ન આવતા દર્દીઓના સગાઓએ સિવીલ હોસ્પીટલમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો
. જેમાં દર્દીઓના સગા દ્વારા આક્ષેપો પણ કરાયા હતા કે સિવિલ તંત્ર દ્વારા દર્દીઓના સગાને ફક્ત ટોકન અપાય છે અને ઇન્જેકશનોનો બારોબાર કરી દેવાય છે.જોકે છેલ્લા ત્રણ દિવસથી પાલનપુર સિવિલ ખાતે ઇન્જેક્શનનું વિતરણ ચાલી રહ્યું હતું.જેને લઇ ઇન્જેક્શન મેળવવા આજે વહેલી સવારથી સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓની કતારો લાગી હતી પરંતુ 10 વાગ્યા આસપાસ સિવિલ સત્તાધીશો દ્વારા ઇન્જેક્શનનો સ્ટોક ન આવ્યો હોવાની જાણ કરાતા જ દર્દીઓના સગાઓમાં ભારે રોષ ભભૂક્યો હતો અને કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈ ગોઠવાયેલા પોલીસ સ્ટાફ અને દર્દીઓના સગા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યાં હતાં