દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વાયરસના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ પણ વધી છે. હાલ આ ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલ સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં રેમડેસીવીરના ઉત્પાદન-સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેક્શનની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ વર્તમાન 7 કંપનીઓને વધુ 10 લાખ ઈન્જેક્શન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય છ કંપનીઓને મહિને 30 લાખ ઈન્જેક્શન બનાવવા માટે મંજૂરી અપાઈ છે.
હાલમાં દેશના સાત રેમડેસીવીર ઉત્પાદકોની ક્ષમતા ૩૮ લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની ૭ સાઈટ પર ૧૦ લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા ૬ ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની ૩૦ લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા ૭૮ લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.