ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજ રાત્રિથી એસટી ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર ડિવિઝનના 8 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ 62 એક્સપ્રેસ બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
આ રૂટની રાત્રિ એક્સપ્રેસ બસો બંધ
સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતાના મઢ સહિતના રૂટની બસ બંધ રહેશે, એસટી ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરર્ફ્યૂના સમય દરમ્યાન 62 જેટલા રૂટની બસ બંધ રહેશે, જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.