દેશના વિવિધ રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો માથુ ઉચકી રહ્યા છે. ત્યારે છત્તીસગઢ સરકારે કોરોના મહામારીને જોતા રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.
રાયપુર કલેક્ટર એસ.ભારથી દસાણે જણાવ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાયપુર જિલ્લામાં 9 થી 19 એપ્રિલ સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. આ દરમિયાન જિલ્લાની તમામ સરહદો સીલ રહેશે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે રાજ્યમાં કોવિડ રસીકરણ ઝડપથી કરાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાને કારણે થઈ રહેલા મોતના આંકડા ચિંતાજનક છે. તેમણે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દરેક રાજ્ય સરકારો કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા પોતપોતાની રીતે પગલા ભરી રહી છે. ત્યારે છત્તીસગઢ સરકારે મહત્વનો નિર્ણય લઈ રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.