તાજેતરમાં ડીસા નગરપાલિકામાં ૧૧વોર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૪૪ બેઠકોમાંથી ૨૭ બેઠકો ભાજપે પ્રાપ્ત કરી પાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યા બાદ મંગળવારે બજેટ મંજુર કરવા માટે પાલિકામાં પ્રથમ બેઠક મળી હતી. જેમાં નવી બોડીએ વર્ષ ૨૦૨૧-૨૨નું નવું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નવા અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ સર્વાનુમતે પાલિકાનું બજેટ મંજૂર કરાયું હતું. ડીસા નગરપાલિકામાં નવી બોડીની પ્રથમ બેઠક સભાખંડમાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વર્ષના અંદાજપત્ર માટે બોલાવવામાં આવી હતી.
આ બેઠકની શરૂઆત ગત વર્ષની ૧૭ કરોડ ૧૮ લાખ ૨૦ હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી હતી અને આગામી વર્ષ 2021 2022 માટે ૨૦૭ કરોડ ૮૫ લાખ ૧૨ હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે ૧૯૪ કરોડ ૫૯ લાખની આવક દર્શાવવામાં આવી હતી. આજે સભાની કાર્યવાહી શરૂઆત થતાની સાથે જ અપક્ષ અને વિપક્ષ દ્વારા સ્થાનિક ધારાસભ્યની અંદાજપત્રની બેઠકમાં હાજરીને લઈ હોબાળો મચાવ્યો હતો. જેથી થોડા સમય માટે નગરપાલિકામાં ગરમા ગરમીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બેઠકમાં ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ધારાસભ્ય શશીકાંત પંડયા, ઉંપ્રમુખ સવિતાબેન હરિયાળી પાલિકાના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.