આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ઘટાડાની રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે જેથી લાંબા સમય પછી આમ આદમીને રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ભાવ 24 દિવસ સ્થિર રાખ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 24 દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ 81.30 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ 88.18 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 87.61 રુપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ છે. તો સુરતમાં પેટ્રોલનો ભાવ 88.18 રુપિયા અને ડીઝલનો ભાવ 87.61 રુપિયા પ્રતિ લેટર થયુ છે. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 15 દિવસમાં 10 ટકા ગગડી ગયો છે. યૂરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગમાં ઘટાડાની શક્યતા છે. તેને કારણે કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઊંચાઈથી ઘટીને 64 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.