દુનિયામાં સાત ખંડો છે એવી સામાન્ય સમજ છે, પરંતુ હકીકતે તો આઠ ખંડ છે. આઠમા ખંડનું નામ ઝીલેન્ડિયા છે. આઠમા ખંડ વિશે સૌપ્રથમ દાવો ૧૬૪૨માં નેધરલેન્ડના સંશોધક અબેલ તસ્માને કર્યો હતો. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં પણ આવો જ દાવો થયો છે.
અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં જણાયું હતું કે ઝીલેન્ડિયા ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ જેવડો જ વિશાળ હતો, પરંતુ કાળક્રમે એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. સેટેલાઈટ ઈમેજના આધારે ડેટા એકઠો કરીને આ ખંડની ટેક્ટોનિક પ્લેટની ઓળખ કરવામાં આવી હતી.
ખંડનો હિસ્સો અને પાણીનો હિસ્સો ખાસ ટેકનોલોજીથી અલગ કરીને તેનું વિશ્લેષણ કરાયું ત્યારે સંશોધકોને જણાયું કે ઝીલેન્ડિયા ખંડ ઘણો વિશાળ છે. એક સમયે ગોંડવાના મહાખંડ અસ્તિત્વમાં હતો. એ વખતે અમેરિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, એન્ટાર્કટિકા ખંડ અને આફ્રિકા ખંડ ભારતીય ઉપખંડ સાથે જોડાયેલા હતા. એટલે કે તેમની પ્લેટ એક હતી, સમયાંતરે ભૂસ્તરીય હિલચાલ થવાના કારણે આ પ્લેટો અલગ પડી હતી અને નવા ખંડો સર્જાયા હતા. વિજ્ઞાનિકોએ જેને ગોંડવાના નામનો મહાખંડ ગણાવ્યો હતો. તેમાં પાંચ ટકા જમીન ઝીલેન્ડિયાની હતી. અત્યારે આ ખંડ ન્યુઝીલેન્ડ નજીક ૯૪ ટકા સુધી દરિયામાં ગરકાવ છે. તેનો માત્ર થોડોક હિસ્સો નાનકડા ટાપુની જેમ બહાર દેખાય છે. જોકે, ખંડની વ્યાખ્યા બાબતે વિજ્ઞાનીઓમાં મતભેદો છે. ઝીલેન્ડિયાનો એ પરંપરાગત વ્યાખ્યામાં મેળ બેસતો ન હોવાથી તેને અલગ ખંડ ગણવામાં આવતો નથી.