પેટ્રોલ અને ડીઝલના ભાવ ભલે કેટલાક દિવસથી વધ્યા ન હોય પરંતુ સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલની રોજ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસથી લઈને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ કંઇ નક્કર પરિણામ આવ્યું નથી.
નાણામંત્રી નિર્મલા સીતારામને પણ સૂચન આપ્યું છે કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવી જોઈએ અને આ અંગે જીએસટી કાઉન્સિલમાં ચર્ચા થવી જોઈએ, જ્યાં કેન્દ્ર અને તમામ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર હોય.
આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે દિલ્હી અને મુંબઇ સંમત થયા છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જોઈએ. સંભવત: આ પહેલી વાર છે કે જે રાજ્યો મહેસુલમાં થયેલા નુકસાનને કારણે અત્યાર સુધી આ પગલું ભરવાથી બચી રહ્યા હતા, તે હવે આગળ આવીને જાતે જ અમલ કરવાની વાત કરી રહ્યા છે.
દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને દિલ્હી એસેમ્બલીમાં કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે. દિલ્હીની સાથે મહારાષ્ટ્રએ પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે.