હાલ રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે જ્યારે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે કાળઝાળ ગરમી પડવાની છે. શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 33 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યુ છે. જેમાં ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ અને ગાંધીનગરનું તાપમાન 33 ડિગ્રી નોંધાયુ છે. જોકે, આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાતની જનતાને આકરી ગરમીનો સામનો કરવો પડશે.