અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં એનઆરઆઈ પટેલ દંપતીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.
શહેરના જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની વહેલી સવારે લૂંટ- ચોરીના ઈરાદે ઘુસેલા શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, થલતેજ પાસે આવેલા શાંતિ પેલેસમાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતીની હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાલ ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મહત્વનું છે કે, મૃતક અશોક પટેલ અને જ્યોત્સનાબેન પટેલ ઘરે એકલા રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો બહાર રહેતા હોવાનું સામે આવ્યું છે. અશોકભાઈનો પુત્ર ચાર-પાંચ વર્ષથી દુબઈ રહેતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વહેલી સવારે તેમના ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.