સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓવર ધી ટોપ અર્થાત OTT પ્લેટફોર્મ પર રજૂ કરાતા કન્ટેન્ટનું સ્ક્રીનિંગ જરૂરી હોવાનું ગણાવતા કહ્યું કે, અમુક પ્લેટફોર્મ ઉપર પોર્ન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમોની દેખરેખ માટે વ્યવસ્થાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના નિયમન માટે તૈયાર ગાઈડલાઈન રજૂ કરવા જણાવ્યું છે. વેબસીરિઝ તાંડવ વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ એમેઝોનના ઈન્ડિયા હેડ અપર્ણા પુરોહિત દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણે જણાવ્યું કે, ઈન્ટરનેટ અને ઓટીટી પર મૂવી જોવું હવે સામાન્ય થઈ ગયું છે.
આવા પ્લેટફોર્મ પર પોર્ન પણ દર્શાવવામાં આવે છે. બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને તાજેતરમાં સોશિયલ મીડિયા માટે તૈયાર ગાઈડલાઈન રજૂ કરવા જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પુરોહિત વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે તેમના અસીલ વિરુદ્ધ લગભગ 10 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેઓ એક કર્મચારી છે અને તેઓ પ્રોડ્યુસર નથી જે ઓટીટી પ્લેટફોર્મ્સ પર વેબ સીરિઝનું સ્ટ્રીમિંગ કરે છે.