ગત રોજ રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. નાણાં મંત્રીએ 2 લાખ 27 હજાર કરોડનું બજેટ રજૂ કર્યુ હતું જેમાં વિવિધ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામો માટે પણ સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યાત્રાધામ બહુચરાજીનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ જાહેરાતને લઈ બહુચરાજીના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે જ્યારે અહીં આવતા યાત્રિકોને પણ હવે વધુ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે. સરકાર દ્વારા કરવામાં આવેલ ફાળવણી દ્વારા મંદિર પરિસરની સાથે સાથે અન્ય વિકાસના કામો હાથ ધરાશે. મહત્વનું છે કે બહુચરાજી મંદિરનું મહત્વ અનેરુ રહેલુ છે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.